પ્રાણીઓ ક્યારેક એવી હરકત કરી નાખતા હોય છે કે માનવીઓને દોડાદોડ થઈ જતી હોય છે. શહેર હોય કે ગામ રખડતા કોઈપણ પ્રાણી કોઈ મુશ્કેલીમાં મુકાય ત્યારે દયાભાવ ધરાવતો માનવી તેની મુશ્કેલી દૂર કરવા માટે દોડી આવતો હોય છે. ઘણી વખત એ પ્રાણી એટલી જટિલ મુસીબતમાં હોય છે કે તે મુસીબતમાંથી તેને ઉગારવા કાળા માથાના માનવીને ભારે મથામણ કરવી પડતી હોય છે. માનવીય અવતાર આમે પણ મૂંગા પ્રાણીઓની તેમજ દીન દુઃખી લોકોની સેવા માટે મળ્યો હોવાનું આપણા શાસ્ત્રો અને ધર્મગુરુઓ કહી રહ્યા છે. એટલે મુશ્કેલીમાં મુકાયેલ જીવમાત્રને મદદ કરવી તે આપણી ફરજ બની રહે છે.એટલું જ નહીં જીવ દયા પ્રેમીઓ અને સમાજસેવકો પોતાની આ ફરજ બખૂબી નિભાવતા હોય છે.
આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. વિડિયો મુજબ કોઈ એક ગામમાં પશુપાલકના ઘરના આંગણામાં એક પાડો સંભવત પાણી પીવાના ઈરાદે પ્લાસ્ટિકની ટાંકીમાં મોઢું નાખી ગયો હશે. હવે મુશ્કેલીની શરૂઆત ત્યાં થાય છે કે પાડાનું આખે આખું માથું પ્લાસ્ટિકની મોટી ટાંકીમાં ઘુસી ગયું છે.જે માથું બહાર કાઢવા માટે પાડો ભારે મથામણ કરતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ હાજર પશુપાલકો પણ પાડવાનું માથું ટાંકીમાંથી બહાર નીકળે તે માટે મથામણ કરી રહ્યા છે. પરંતુ આ તો કદાવર પ્રાણી, માથું પાણીની ટાંકીમાં છે, તેની આંખો પણ કઈ જોઈ નથી શકતી. બસ માત્ર ને માત્ર ફસાયેલું માથું કેમ મુક્ત થાય એ માટે પાડો રઘવાયો થયો છે. બીજી તરફ પશુપાલકો પણ હો….હા… ના હાકોટા પાડી રહ્યા છે. પણ આ તો મૂંગું પ્રાણી, અને આમે તેને દેશી ભાષામાં આપણે ‘ડોબુ’ કહીએ છીએ. ડોબાનો અર્થ શું થાય એ તો સૌ માનવી સારી પેઠે જાણે છે. હવે વાત એમ છે કે પશુપાલકો ટાંકી કાઢવા માટે મથામણ કરે છે. પાડો પણ ટાંકીમાંથી મોઢું નીકળે તે માટે કૂદાકૂદ કરી રહ્યો છે.
પાડાનું માથું ઢાંકીમાંથી કાઢવા પશુપાલકોની મથામણ અને ટાંકીમાંથી મુક્ત થવા પાડાની કૂદાકૂદ પશુપાલકોને પરસેવો પડાવી ગઈ છે. આખા આંગણામાં દોડાદોડી કરતો પાડો ટાંકીમાંથી માથું બહાર કાઢવા ભૂરાંટો થયો છે. માથું ટાંકીમાં છે એટલે નજર ક્યાંય પડતી નથી કે તે શું કરી રહ્યો છે. અંતે પાડો પશુપાલકના ઘરના રસોડાના ભાગમાં ઘુસી જાય છે. પછી તો જોઈએ જ શું?! રસોડામાં કામ કરતો પશુપાલક પરિવારનો મહિલાવર્ગ બૂમાબૂમ કરી મૂકે છે. પાડો રસોડામાં રહેલા વાસણોને વેરવિખેર કરી નાખે છે. માલધારીઓ પણ બેબાકળા થઈ રહ્યા છે. પણ બધા જ બધી રીતે મજબૂર છે. કાળા માથાનો માનવી અને કદાવર પાડો પણ….! બસ થોડી મિનીટના વિડીયોમાં પછી શું થાય છે તે બતાવ્યું નથી. પાડાનું માથું ટાંકીમાંથી નીકળ્યું ક્યારે અને કેવી રીતે તે ખબર નથી. પાડાએ પશુપાલકના ઘરમાં કેવું તોફાન મચાવ્યું તે પણ ખબર નથી. પરંતુ જેટલો વીડિયો જોવા મળ્યો છે તેમાંથી ખબર પડી જાય કે યમરાજના સાથીએ ‘હંગામો’ઓછો નહીં કર્યો હોય!