•ફેસબુક પર વહેતી થયેલી પોસ્ટે પોલીસ બેડા સહિત શહેરભરમાં ચર્ચા જગાવી
•ડિટેકશન સ્ટાફના બે કોન્સ્ટેબલો સામે લાખોની તોડબાજીના સનસનીખેજ આક્ષેપ
•દારૂના ધંધાર્થીઓ સાથે ઘરોબાની વાત કરી એસપી અને સરકારને પગલા લેવા વિનંતી
મહેસાણા: સંજય જાની
મહેસાણાના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ સામે શહેરના એક નાગરિકે સનસનીખેજ આક્ષેપો કરતી પોસ્ટ સોશિયલ મીડિયાની facebook સાઇટ પર વહેતી કરતા ભારે ચકચાર મચી છે. પોલીસ મથકના ડિટેકશન સ્ટાફના બે કોન્સ્ટેબલોના નામ જોગ લખાયેલી પોસ્ટમાં કોન્સ્ટેબલો દારૂના ધંધાર્થીઓ સાથે ઘરોબો ધરાવી આર્થિક વ્યવહાર એટલે કે હપ્તાખોરી અને તોડબાજી કરતા હોવાના આક્ષેપ કરાયા છે. એટલું જ નહીં એસપી અને સરકાર તેમની સામે પગલાં લે તેવી વિનંતી પણ કરવામાં આવી છે.પોસ્ટને લઇ પોલીસ બેડા સહિત શહેરભરમાં આ બાબતે ભારે ચર્ચા જાગી છે.
‘એલર્ટ મહેસાણા’મથાળું ટાંકી મિકીભાઈ જે.શાહના નામથી લખાયેલી ફેસબુક પોસ્ટમાં મહેસાણા એ ડિવિઝનના ડી સ્ટાફમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ નિખીલ પટેલ અને અનિલ ચૌધરી લાલચુ અને કરપટર્ડ કર્મચારી હોવાનું કહેવાયું છે. શહેરમાં બે નંબરના નાના-મોટા ધંધા કરતા લોકો પાસેથી તેઓ હજારો અને લાખોમાં તોડ કરતા હોવાના આક્ષેપો સાથે લખાયું છે કે જે લોકો વધારે રૂપિયા તોડ માન આપે તેમની સામે કોઈ કેસ કરાતો નથી. ઉપરાંત નાના-મોટા બે નંબરીયા ધંધાર્થીઓને હપ્તા સિસ્ટમમાં બાંધી રાખી તેઓને જવા દેવાય છે. વાયરલ પોસ્ટમાં લખાયા મુજબ ડી સ્ટાફના બંને કર્મચારી હેડ કોસ્ટેબલ છે અને તેઓ એમ કહેતા ફરે છે કે પોતે પોલીસ ઇન્સ્પેક્ટરના રાઈટર છે અને પીઆઇ સાહેબ તથા ઉપરી અધિકારીઓને લાખો રૂપિયાનો હપ્તો આપવો પડે છે. આ બંનેના આમ કહેવાથી જે ઇમાનદાર ઓફિસર પોલીસ પ્રશાસનમાં ફરજ બજાવે છે તેમનું પણ નામ ખરાબ થાય છે. આવી ચિંતા સેવીને મિકી શાહે લખ્યું છે કે પોલીસ પ્રશાસન ઉપરથી સામાન્ય નાગરિકનો વિશ્વાસ ઉઠી ગયો છે.
•કયા કયા આરોપી પાસેથી રૂપિયા લેવાયા તે જરૂર પડે હું નામ જોગ જાહેર કરીશ
સોશિયલ મીડિયાના facebook પર વાયરલ થયેલી પોસ્ટમાં એમ પણ લખવામાં આવ્યું છે કે આ બે પોલીસ કર્મચારીઓએ કયા કયા આરોપીઓ પાસેથી કેટલા રૂપિયાના હપ્તા લીધા છે અને કયા આરોપી ઉપર કેસ કર્યા છે તેમજ કેસ કર્યા પછી પણ મોટા રૂપિયાના તોડ-પાણી કર્યા છે અને ઘણા આરોપીઓ ઉપર કેસ નથી કર્યા ને રૂપિયા લીધા છે. તેની તમામ વિગત મારી પાસે છે અને જરૂર પડશે તો હું નામજોગ પોસ્ટ કરીશ.
•બંને કોસ્ટેબલની રહેમ દ્રષ્ટિથી કસ્બા વિસ્તારમાં દારૂનો ધંધો ખુલ્લેઆમ ચાલે છે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીર વાળી ડીપીમાં ‘મિકી ભાઈ કટ્ટર હિન્દુ’ સાથે ‘બુટલેગરનો બાપ ગુજરાત’ અને ૧૨ અન્ય લોકોનું નામ(યુઝરનેમ) મથાળું દેખાડતી ફેસબુક પેજ પર એમ પણ લખાયું છે કે નિખીલ પટેલ અને અનિલ ચૌધરીના મોટા રૂપિયાના હપ્તા સીસ્ટમથી અને આ બંનેની રહેમ દ્રષ્ટિથી મહેસાણા કસ્બા વિસ્તારમાં દારૂનો ધંધો વેપારીઓ ખુલ્લેઆમ કરે છે. આ બંને કોન્સ્ટેબલ પર તાત્કાલિક પગલાં ભરવા એસપી અને સરકારને વિનંતી પણ લખવામાં આવી છે.
•તમામ આરોપ પાયાવિહોણા, મારો સ્ટાફ પૂરી ઈમાનદારીથી ફરજ બજાવે છે: જે.એસ.પટેલ, PI
ફેસબુક ઉપર વાયરલ થયેલી પોસ્ટ અંગે પ્રતિક્રિયા આપતા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જે એસ પટેલે કહ્યું હતું કે તમામ આક્ષેપો પાયાવિહોણા છે. ડી સ્ટાફના બંને કર્મચારી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવે છે. અને તે લોકો ક્યાંય પણ આવી કોઈ પ્રવૃત્તિ કરે તે માનવા હું તૈયાર નથી. પોસ્ટ લખનારને શું તકલીફ પડી તેની કોઇ જાણકારી નથી. બાકી જ્યાં પણ કાનૂની કાર્યવાહી કરવાની થતી હોય ત્યાં હું જેમ બને તેમ વધારે કેસ કરાવું છું. બંને કર્મચારી સારા છે અને સારી કામગીરી પણ કરી રહ્યા છે.