•ખેતરમાં કામ કરતી મહિલાઓને જોઈ દાનત બગડી ને અપરાધ કરી બેઠો
•દુષ્કર્મી શખ્સને આશરો આપનાર સંબંધીની પણ પોલીસે ધરપકડ કરી લીધી
અમદાવાદ: (કુલદીપ ઈશરાની- કવિરાજ)
ભરૂચ તાલુકા શુકલતીર્થ ગામે ખેતરમાં તુવેરો વીણવાનાનું કામ કરતી ત્રણ મહિલાઓને જોઈને એક શખ્સે પોતાની દાનત બગાડી અપરાધને અંજામ આપ્યો હતો. કામુક થયેલા શખ્સે મહિલાઓ સામે ગંદી હરકત કરતા મહિલાઓ ગભરાઇ ગઇ હતી અને ખેતરમાંથી દોટ મૂકી હતી. જોકે વાસનામાં ભાન ભૂલેલો મહિલાઓની પાછળ પડયો હતો અને તેઓની સામે બંદૂક તાકી વશમાં થઈ જવા ધમકી આપી હતી. જેમાંથી તેણે એક મહિલાનો હાથ પકડી તેને શેરડીના ખેતરમાં લઈ જઈ બંદૂકના નાળચે બાનમાં લઇ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં શખ્સ મહિલાનો મોબાઇલ લૂંટી ત્યાંથી જતો રહ્યો હતો જે અંગેની નબીપુર પોલીસ મથકે મહિલાએ ફરિયાદ નોંધાવતા રેપ વિથ લૂંટનો ગુનો દર્જ કરવામાં આવ્યો હતો.
મહિલાની ફરિયાદના આધારે બનાવની તપાસ ભરૂચની સ્થાનિક ગુના શોધક શાખાને સોંપવામાં આવતા શાખાની ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી મુખ્યત્વે રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઇ-ગુજકોપ અંતર્ગત મોબાઈલ પોકેટ કોપના સહારે દુષ્કર્મી શખ્સ અને તેને આશરો આપનાર તેના સંબંધીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
શુકલતીર્થ ગામે ગત તા. 20 જાન્યુઆરીના ત્રણ મહિલાઓને આંતરી એક મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જે ગંભીર ગુના બાબતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરૂચના વિભાગીય પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તેમજ એલસીબીના પીઆઇ જે.એન. ઝાલાને સુચના આપતા ગુના શોધક શાખાની ટીમ તેમજ સ્થાનિક પોલીસે આ દિશામાં પગેરૂં દબાવ્યું હતું. પોલીસે બનાવેલી અલગ-અલગ ટીમે આરોપીને પકડી પાડવા માટે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી ભોગ બનનાર મહિલાની પાસેથી વિગતો જાણી તપાસનો દોર લંબાવ્યો હતો. જેમાં તેઓને ઘટના સ્થળથી થોડે દૂર એક નંબર પ્લેટ વગરનું બાઈક મળી આવ્યું હતું. જે બાઈક પોલીસે કબજે લઇ રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઈ-ગુજકોપ અંતર્ગત તપાસ કરતા બાઇકના માલિકને શોધી કાઢવામાં આવ્યો હતો. બાઈક માલિકે પોતાનું બાઇક જયેશ વસાવા નામના વ્યક્તિને છેલ્લા બે મહિનાથી વાપરવા આપ્યું હોવાની હકિકત જણાવી હતી. જે હકીકત આધારે પોલીસે human intelligence ટેકનિકલ સર્વેલન્સ આધારે જયેશ વસાવાને સુરતના મોરથાણા ગામેથી દબોચી લીધો હતો.
•પકડાયેલા શખ્સે પોલીસ સમક્ષ ગુનો કબૂલ્યો
પોલીસે દુષ્કર્મના કેસમાં પકડી પાડેલા જયેશ વસાવાએ પોતાના ગુનાની કબૂલાત પોલીસ સમક્ષ કરી લીધી છે. પોલીસની પૂછપરછમાં તેણે વધુમાં જણાવ્યું હતું કે તે માંડવી તાલુકાના ઉશ્કેર ગામેથી દ્રષ્ટિ મનસુખ વસાવા નામની છોકરીને ભગાડી લાવીને અલગ-અલગ વિસ્તારમાં રહેતો હતો. આ સમયમાં તે તવરા ગામે રહેતા તેના કાકાના ઘરે રહેતો અને ટેમ્પો ઉપર ફેરો મારીને મજૂરી કરતો હતો. આ દરમિયાન તેણે ત્રણ મહિલાઓને જોઈ પોતાની દાનત બગાડી હતી અને ગુનાને અંજામ આપ્યો હતો. બાદમાં મહિલાનો મોબાઇલ ફોન ઝૂંટવી ભાગી ગયો હતો.
• આશરો આપનારને પણ પોલીસે પકડી પાડ્યો
મહિલાને બંદૂકના નાળચે બાનમાં લઇ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ જયેશ વસાવા શુકલતીર્થ તેના કાકાના ઘરે આવ્યો હતો. બાદમાં ત્યાંથી ભાગી સુરતના કોસંબા ખાતે રહેતા ઠાકોર ભાઈ વસાવાના ત્યાં તેણે આશરો લીધો હતો. જ્યાં પોલીસ તપાસમાં પહોંચતા આશરો આપનાર વ્યક્તિએ તેને ત્યાંથી ભગાડી દીધો હતો. જ્યાંથી જયેશ તેના મિત્ર પાસે મોરથાણા પહોંચ્યો હતો જ્યાં પોલીસે તેને પકડી પાડ્યો હતો. જોકે તેને આશરો આપનાર ઠાકોર વસાવાની પણ પોલીસે ધરપકડ કરી છે.
•આ અધિકારી-કર્મચારી કામગીરીમાં જોડાયા
મહિલા સાથે દુષ્કર્મ કરી ભાગી ગયેલા શખ્સને પકડી પાડવા ભરૂચ એલસીબીના પીઆઇ જે.એન. ઝાલા, પીએસઆઈ એ. એસ. ચૌહાણ, નબીપુર પોલીસ મથકના પીએસઆઇ એ.કે.જાડેજા, હેડ કોન્સ્ટેબલ અશોક કુમાર, ઇરફાનભાઇ, જોગેન્દ્રદાન ગઢવી, સંજયદાન, કોન્સ્ટેબલ નરેશભાઈ એ.એસ.આઇ ચીમનભાઈ, હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ, દિનેશભાઈ, કોન્સ્ટેબલ ભરતભાઈ, વિવેકભાઈ, સુરેશભાઈ સહિતનાઓએ ટીમવર્કથી કામગીરી કરી આરોપીને પકડી પાડવા સફળ રહ્યા હતા. પોલીસે આરોપી પાસેથી મહિલાનો લૂંટી લીધેલો મોબાઈલ, અંગજડતીમાં સાત હજાર રૂપિયા રોકડ તેમજ અન્ય એક મોબાઇલ મળી કુલ ૨૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.