•ઉત્તર પ્રદેશમાં ભાજપના સમર્થકો પક્ષનો જય જય કાર કરતા ગીતો ગાઈ મત માગી રહ્યા છે
• બિહારી યુવતીએ યુપીની ઘટનાઓને ગીતના માધ્યમથી ભાજપીઓની ઊંઘ હરામ કરી દીધી
સંજય જાની (અપના મિજાજ)
ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી 2022નો માહોલ જામી રહ્યો છે. રાજકીય પક્ષો તેમના ચૂંટણી પ્રચાર માટે ગીતો રજૂ કરી રહ્યા છે, તો બીજી તરફ અન્ય ગાયકો અને સમર્થકો પણ પક્ષોના સમર્થનમાં ગીતો ગાઈ રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં બે ગીતોની ખૂબ જ ચર્ચા છે. પહેલું ગીત યુપી સરકાર વિરુદ્ધ છે અને બીજું ગીત સમર્થનમાં છે. પ્રથમ ગીતના બોલ છે. ‘યુપી મે કા બા’ અને બીજા ગીતના ગીતો છે. ‘યુપી મેં સબ બા’. પહેલું ગીત નેહાસિંહ રાઠોડ નામની ૨૫ વર્ષીય છોકરીએ ગાયું છે, જ્યારે બીજુ ગીત ભાજપના સાંસદ અને ભોજપુરી સ્ટાર રવિ કિશન શુક્લાએ ગાયું છે.જોકે, બિહારની 25 વર્ષીય બબલીએ ‘યુપી મે કા બા’ ગીત ગાઈને ભાજપના ભડવીરોના ‘ગાભા’ કાઢી નાખ્યા છે. છેલ્લા બે દિવસથી આ ગીત મુદ્દે સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે.
જોકે, નેહાસિંહ રાઠોડે 25 જાન્યુઆરીએ ‘યુપી મેં કા બા’નો પાર્ટ-2 પણ રિલીઝ કર્યો છે. નેહાસિંહ રાઠોડે સાડી પહેરેલી દેશી સ્ટાઈલમાં ગાયેલા બંને ગીતો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તેમના ગીતોમાં સરકારની ટીકા કરવામાં આવી છે, તેથી તેમને એક વર્ગનું સમર્થન મળી રહ્યું છે, જ્યારે તેમને બીજા વર્ગના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જોકે નેહાસિંહ બિહારની વતની છે, પરંતુ તેનો સંબંધ યુપી સાથે પણ છે.
• નેહાસિંહ રાઠોડ ભોજપુરી લોક ગાયિકા છે
નેહાસિંહ રાઠોડ એક ભોજપુરી ગાયિકા છે. તે મૂળ બિહારના કૈમુર જિલ્લાના રામગઢની છે. 25 વર્ષની નેહાએ કાનપુર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેણી પોતાના ગીતો લખે છે, કંપોઝ કરે છે અને પોતાની ધૂન ગાય છે. તે સામાજિક મુદ્દાઓને કટાક્ષ અને વિવેચનાત્મક રીતે ઉઠાવે છે. આ કારણે તે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. તે છેલ્લા ચાર વર્ષથી ભોજપુરીમાં ગીતો ગાય છે અને દેશી વ્યંગ્ય શૈલીમાં સામાજિક અને રાજકીય મુદ્દાઓ ઉઠાવે છે. સામાજિક અને રાજકીય મુદ્દાઓ ઉપરાંત તહેવારો પર પણ ગીતો ગાય છે. બિહાર વિધાનસભા ચૂંટણી સમયે રાજકીય પરિસ્થિતિ પર ગવાયેલું ગીત બિહાર મેં કા બા… લોકપ્રિય બન્યું હતું.
ફેસબુક, ટ્વિટરથી લઈને યુટ્યુબ સુધી તેના ગીતો ખૂબ શેર કરવા સાથે વાયરલ થાય છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તેની ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે. તેની યુટ્યુબ ચેનલ પર તેના 3 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે, જ્યારે તેને ફેસબુક પર 3.87 લાખથી વધુ લોકો ફોલો કરે છે.
•બિહારી છોકરીનું ઉત્તરપ્રદેશથી શું છે કનેક્શન?
નેહા કાનપુર યુનિવર્સિટીમાંથી સ્નાતક છે. આ સિવાય તેમનો યુપી સાથે પણ ગાઢ સંબંધ છે. તેમના લગ્ન યુપીના આંબેડકર નગરમાં નક્કી કરવામાં આવ્યા છે. જો કે સગાઈ થઈ ગઈ છે, પરંતુ તેઓએ હજી લગ્ન કર્યા નથી. તેના લગ્ન જૂન 2021માં જ થવાના હતા, પરંતુ કોરોનાને કારણે તેઓના સાસુજી ઉષા સિંહ (53 વર્ષ)નું અવસાન થયું. જેના કારણે લગ્ન મોકૂફ રાખવા પડ્યા હતા. એક અહેવાલ અનુસાર, ત્યારે તેઓના સાસુજીને રેમડેસિવીરની જરૂર હતી. ઘણી આજીજી કરવા છતાં આંબેડકર નગર મેડિકલ કોલેજમાં રેમડેસિવીર ઈન્જેક્શન ન મળ્યું અને તેઓનું નિધન થયું.