•વિદેશ મોકલનર કલોલના એજન્ટનું પણ નામ બહાર આવતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ આદરી
ગાંધીનગર:
ગુજરાતીઓમાં અમેરિકાનું આકર્ષણ હજી ઓછું થયું નથી. એક શોકિંગ બનાવમાં અમેરિકાની ગેરકાયદે ઘુસવાની લ્હાયમાં ચાર ગુજરાતીઓના મોત થયા હતા. અમેરિકાની બોર્ડરથી 12 મીટર અંદર કેનેડામાં પુરુષ-મહિલા અને બાળક-બાળકીનો મૃતદેહ મળી આવ્યા છે. માઈનસ 32 ડિગ્રીમાં થીજી જતા ગુજરાતી પરિવારના તડપી તડપીને મોત થયા છે. મૃતકો કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની હોવાનું બહાર આવ્યું છે.
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકા સાથેની કેનેડાની સરહદ પર ચાર ભારતીયનાં મોતની નોંધ લીધી છે. પ્રાથમિક રિપોર્ટમાં એવું કહેવાઈ રહ્યું છે કે આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યનાં ઠંડીને કારણે મોત થયાં છે, જેમાં મૃતકોમાં કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની જગદીશભાઈ બળદેવભાઇ પટેલ, તેમના પત્ની વૈશાલીબેન સાથે એક 10 વર્ષની દીકરી ગોપી અને 3 વર્ષનો દીકરો ધાર્મિક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે ડીંગુચા ગામ સહિત સમગ્ર કલોલ તાલુકાના પાટીદાર સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
• બાળકોના કપડાં, ડાયપર અને રમકડાં મળ્યાં
પોલીસ ફરિયાદ મુજબ આ તમામ લોકો ગુજરાતીમાં વાતો કરતા હતા. સ્નો હટાવતી ટ્રકના ડ્રાઇવરે કહ્યું કે, તેનો 19 જાન્યુઆરીના રોજ એજન્ટ શેન્ડ સાથે ભેટો થયો હતો. શેન્ડની ધરપકડ બાદ આ ભારતીયો કેનેડાની બોર્ડર પાર કરી રહ્યાં હતા અને તેમને અમેરિકામાંથી કોઈ લેવા માટે આવી રહ્યું હોવાની આશંકા હતી. કેનેડામાં ઉતર્યાં બાદ તેઓ સવા અગિયાર કલાક સુધી ચાલ્યા હતા. તેમની સાથે રહેલા 4 લોકો અગાઉથી તેમના લોકેશન પર આવી ગયા હતા. તેમની બેગમાંથી બાળકોના કપડાં, ડાયપર, રમકડાં, બાળકોની દવા મળ્યા છે.
આ ચારેય મૃતદેહો મળ્યા બાદ ફ્લોરિડાના સ્ટીવ સેન્ડ નામના એજન્ટને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સ 7 ભારતીયોને ગેરકાયદે ઘુસાડવામાં સામેલ હોવાની આશંકા છે. કોર્ટ ડોક્યુમેન્ટ મુજબ આ લોકોએ કેનેડામાં ઘુસવા માટે મોટી રકમ લઈને ગેરકાયદે સ્ટુડન્ટ વિઝા અપાવી ઘુસણખોરી કરાવતો હતો. કેનેડા પોલીસ તપાસમાં માનવ તસ્કરીનું મોટું રેકેટ બહાર આવે એવી શક્યતા છે. બનાવમાં કલોલના એજન્ટ અને તેના પેટા એજન્ટનું નામ ખૂલતાં અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે કલોલ જઈ એજન્ટને ઉઠાવ્યો છે અને તેના લેપટોપ સહિતના દસ્તાવેજો કબ્જે કર્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડીંગુચા પરિવારને અમેરિકા મોકલનાર પલીયડ ગામના સંજય પટેલ નામના એજન્ટનું નામ સામે આવ્યું છે. જે કલોલના કોઈ વિસ્તારમાં રહેતો હોવાનું અંતરંગ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
• ચારેય ભારતીયો સતત ૧૧ કલાક સુધી બરફમાં ચાલ્યા
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે લૉ એન્ફોર્સમેન્ટે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે બે મુસાફરો વાનમાં હતાં. કોઈપણ પ્રકારના દસ્તાવેજો વિના મુસાફરી કરનારા ભારતીય નાગરીકોને લઈને એજન્ટ મી,શાંદ આ વાન ચલાવી રહ્યાં હતાં. નોર્થ ડાકોટામાં બોર્ડર પેટ્રોલ સ્ટેશન પાસે પહોંચીને સ્ટીવ સેન્ડ બે મુસાફરો સહિત વધુ પાંચ અન્ય મુસાફરોને વાનમાં બેસાડવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. લૉ એન્ફોર્સમેન્ટના જણાવ્યા પ્રમાણે પાંચ ભારતીયો કનેડિયન બોર્ડરની થોડેક દૂર બરફમાં ચાલી રહ્યાં હતાં. આ દરમિયાન સ્ટીવ સેન્ડની ધરપકડ કરી લેવામાં આવી હતી.લૉ એન્ફોર્સમેન્ટના જણાવ્યા પ્રમાણે આ તમામ ભારતીયો સતત 11 કલાક સુધી ચાલીને બોર્ડર ક્રોસ કરી ચૂક્યા હતાં.પાંચેય જણાએ ગરમ કપડાં પહેર્યાં હતાં. બ્લેક કલરના મોજા, હૂૃડી સહિતના ગરમ કપડાં તેમના શરીર પર હતાં.
• ભારતીય નાગરિકોનાં અતિશય ઠંડીને કારણે મોત થયાં
અમેરિકા-કેનેડાની બોર્ડર પર હૃદયદ્રાવક દુર્ઘટનામાં ચાર ભારતીય નાગરિકનાં અતિશય ઠંડીને કારણે મોત થયાં છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. જોકે આ ઘટનાને માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો માનવામાં આવે છે. મૈનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)એ ગુરુવારે જણાવ્યું હતું કે એમર્સનની નજીક કેનેડા-અમેરિકા બોર્ડર પર કેનેડા તરફ બુધવારે ચાર શબ મળ્યા હતા, જેમાં બે શબ વયસ્કોના,એક કિશોર અને એક બાળક છે, જ્યારે શબ બરામદ થયા ત્યારે ત્યાં માઇનસ 35 ડીગ્રી તાપમાન હતું.
અમેરિકન અધિકારીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે માનવામાં આવી રહ્યું છે કે મૃતક ભારતથી આવ્યા હતા અને કેનેડાથી અમેરિકાની સરહદમાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આરસીએમપીના મદદનીશ કમિશનર જેન મૈક્લેચીએ કહ્યું હતું કે આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. પ્રારંભિક તપાસમાં લાગે છે કે તમામનાં મોત ઠંડીમાં ઠૂંઠવાઈ જવાને કારણે થયાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આરસીએમપીનું માનવું છે કે ચારે મૃતક એ ગ્રુપનો હિસ્સો હતા જેમણે બોર્ડરની નજીક અમેરિકન ક્ષેત્રથી પકડવામાં આવ્યા છે. ચારેય મૃતદેહ બોર્ડરથી 9થી 12 મીટરના અંતરે મળ્યા છે.
• ચાર કલાકની શોધખોળ બાદ મૃતદેહો મળ્યાં
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસના આ ખૂબ જ પ્રારંભિક તબક્કે એવું લાગે છે કે તેઓ બધા બરફના તોફાનમાં થીજી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. મૃતદેહ મળ્યા પહેલાં એ જ દિવસે યુએસ બાજુના બોર્ડર એજન્ટોએ એવા લોકોના ગ્રુપની અટકાયત કરી હતી જેઓ થોડીવાર પહેલાં જ બોર્ડર ઓળંગી ગયા હતા. એને કારણે સરહદની બંને બાજુએ શોધખોળ શરૂ થઈ હતી. ચાર કલાકની શોધખોળ બાદ પહેલા મૃતદેહો મળી આવ્યા હતા.
• એક વર્ષથી બોર્ડર પાર કરવાના પ્રયાસો બંધ છે
અધિકારીએ કહ્યું હતું કે, ‘અમે ખૂબ જ ચિંતિત છીએ કે આ બોર્ડર પાર કરવાના પ્રયાસને કોઈ રીતે સુવિધા આપવામાં આવી હોઈ શકે છે અને જ્યારે હવામાન માઈનસ 35 ડીગ્રી સેલ્સિયસની આસપાસ હતું ત્યારે એક બાળક સહિત આ વ્યક્તિઓ ભારે હિમવર્ષા વચ્ચે તેમના જ હાલ પર છોડી દેવામાં આવ્યા હતા.’ તેમણે વધુમાં જણાવતાં કહ્યું હતું કે આ પીડિતોને માત્ર ઠંડા હવામાનનો જ નહીં, પણ લાંબાં મેદાનો, ભારે હિમવર્ષા અને સંપૂર્ણ અંધકારનો પણ સામનો કરવો પડે છે. ઇમર્સન એ માર્ગ પર છે, જેનો ઉપયોગ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વચ્ચે બોર્ડર પાર કરવા માટે કરે છે. એક વર્ષથી બોર્ડર પાર કરવાના પ્રયાસો બંધ છે, કારણ કે રોગચાળાને કારણે સરહદ બંધ કરવામાં આવી છે.