Apna Mijaj News
ગેરરીતિ

ચેનપુર વિસ્તારમાં રખડતી ગાયો પકડવા ખર્ચા કરાય છે સરકારી ને ગજવાં ભરે છે અધિકારી

પશુઓના માલિકો સાથે મળીને CNCD વિભાગના અધિકારીઓના ભ્રષ્ટાચારની પોલ ખુલી

ત્રણ દિવસ પહેલા જ રાણીપમાંથી ACBએ ઢોર પાર્ટીના કર્મચારીને લાંચ લેતા પકડ્યો હતો

અમદાવાદ:
       અમદાવાદ શહેરમાં રખડતા ઢોર અને કૂતરા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને સતત ટકોર કરી છે. છતાં કોર્પોરેશનના CNCD વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓ કડક કામગીરી કરતાં નથી. ન્યુ રાણીપ વિસ્તારના ચેનપુર બસ સ્ટેન્ડ પાસે CNCDની ટીમ ઢોર પકડવા પહોંચી હતી. જ્યાં ઘાસચારો વેચાતો હોવાથી 10થી વધુ ગાયો ત્યાં હતી. છતાં CNCDના કર્મચારીઓએ માત્ર ત્રણથી ચાર ગાયો જ પકડી હતી. બાકીની પકડવાની જગ્યાએ તેઓ ત્યાંથી જતાં રહ્યાં હતાં. અહીં આંતરે દહાડે ઢોર પકડ ટીમ ટ્રેક્ટર ટ્રોલી અને ટાટા સુમો લઈ ચક્કર લગાવતી હોય છે. પરંતુ પશુ માલિકો દ્વિચક્રી વાહનો લઇ તેમનાથી પણ આગળ નીકળી જઈને ટીમને હંફાવી નાખતા જોવા મળી રહે છે.
      જાણકારસુત્રોએ આપેલી વિગતો મુજબ કોર્પોરેશનની ઢોર પકડ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ ગમે તેટલી દોડ લગાવી લે પરંતુ ચેનપુર વિસ્તારમાં અંતે જીત તો રખડતાં પશુઓના માલિકની જ થાય છે. કહેવાય છે કે અહીં 20 થી 25 ગાયો રખડતી હોય પરંતુ તંત્રના ટ્રેકટરની ટોલીમાં બે થી ચાર ગાયો ભરીને પશુ માલિકોને માત્ર ભય જ દેખાડવામાં આવે છે. બાકી તેઓ પાસે દંડ ભરાવી અથવા તો ‘સંબંધો’ નિભાવીને સેટીંગ પાડી દેવામાં આવે છે. એક હવા તો એવી પણ ફેલાયેલી છે કે કોર્પોરેશનના કર્મચારી અધિકારી સરકારી ખર્ચે, સરકારી વાહનો લઇ રખડતા ઢોર પકડવાનું માત્ર નાટક કરીને કહેવા પૂરતી કામગીરી કાગળ ઉપર બતાવી દે છે. જોકે આ કામગીરી પાછળ તેઓ ખર્ચો કરે છે સરકારી પરંતુ પોતાના અંગત ગજવા ભરી ને ચાલ્યા જતા હોય છે. સૂત્રોની આ વાત જો સત્ય હોય તો ઉચ્ચ કક્ષાએથી આ બાબતે આકસ્મિક તપાસ થવી જરૂરી બને છે.
ગાયો નહી પકડવા એક કર્મચારી 2300 રૂપિયાની લાંચ લેતાં પકડાયો હતો
      CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે ઘણી વખત ઢોર પકડવા જઈએ તો બાઇકવાળા આગળ જ જતાં હોય છે અને ગાયો ભગાડે છે જેથી ઢોર પકડી શકાતા નથી પરંતુ આ કિસ્સામાં અમે ફરીથી ટીમ ત્યાં મોકલીશું અને કાર્યવાહી કરીશું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ દિવસ પહેલા જ રાણીપ વિસ્તારમાં એસીબીએ ટ્રેપ કરી કોર્પોરેશનના CNCDના કર્મચારીને રૂ. 2300ની લાંચ લેતા પકડ્યો હતો. આ વિસ્તારમાં ગાયો નહી પકડવા માટે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.
પશુ માલિકો સાથે કર્મચારીઓ સેટિંગ કરી લેતા હોવાથી રખડતા પશુ પકડી શકાતા નથી
      ચેનપુર બસ સ્ટેન્ડ પાસે દરરોજ ગાયને ઘાસચારો નાખવા માટે ઉભા હોય છે અને ત્યાં 10થી વધુ ગાયો આવે છે. ઢોર પકડવાની કામગીરી કરતાં CNCDના કર્મચારીઓ મોટાપાયે પશુ માલિકો પાસેથી હપ્તા ઉઘરાવતા હોય છે. જેના કારણે રખડતા પશુ પકડી શકાતા નથી અને જોઈએ તેવી કામગીરી કરી શકાતી એટલું જ નહીં કર્મચારીઓ પોતાના હપ્તાની રકમ લેવા માટે અલગ-અલગ માણસો પણ રાખતા હોવાની બાબત સપાટી પર આવી છે.
ઢોર પકડ પાર્ટીને ગજવા ભરવામાં જ રસ, રખડતાં ઢોર પકડવા મુદ્દે ભાજપના સત્તાધીશો નિષ્ફળ
       દરેક વિસ્તારમાં ઢોર પકડવાની પાર્ટીના અધિકારીઓ-કર્મચારીઓના ખાસ માણસ પશુમાલિક પાસેથી દર મહિને મોટી રકમ હપ્તા પેટે ઉઘરાવે છે. CNCDની ટીમમાં ફરજ બજાવતાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને SRPના પોલીસકર્મીઓ તમામ લોકોના સેટીંગ ગોઠવેલા હોય છે. કોર્પોરેશનના અધિકારીઓ પાસે રખડતા ઢોર મુદ્દે કડક કાર્યવાહી કરાવવામાં ભાજપના સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા છે. હાઇકોર્ટની ફટકાર બાદ પણ અધિકારીઓ-કર્મચારીઓ કામગીરી કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર કરી અને પોતાના ઘર ભરે છે.

Leave a Comment

error: Content is protected !!