•’હવેલી’ ગેંગના પાંચ શખ્સો જેલમાં ધકેલી દેવાયા, મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર
• શહેરના ટીબી રોડ પર છાશવારે આતંક મચાવતા હોવાથી કરાઈ કાર્યવાહી
મહેસાણા: (સંજય જાની)
મહેસાણા શહેરના ટીબી રોડ પર છાશવારે ઘાતક હથિયારો સાથે લોહીયાળ ઘટનાઓને અંજામ આપનારાં તત્ત્વો સામે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે પોતાનો આકરો મિજાજ બતાવી ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરતા સમાજમાં ભય ઊભો કરનારા અસામાજિક તત્વો ખુદ ભયભીત બની ગયા છે. ટીબી રોડ પર આતંક મચાવતી ગેંગના છ લોકો સામે આકરી કાનૂની કાર્યવાહી કરી પોલીસે પાંચ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેતા આતંકની ‘હવેલી’ ધ્વંસ થઈ ગઈ હોય તેવો અહેસાસ થતાં ગેંગનો મુખ્ય સાગરીત દિનેશ ધનાજી ઠાકોર ઉર્ફે હવેલી પોલીસથી બચવા ભાગી છુટ્યો છે.
ટીબી રોડ ઉપર મારામારી, હત્યા, ખૂન કરવાની કોશીષ, પ્રોહીબીશન, જાનથી મારી નાખવાની ધમકી, રાયોટીંગ સહિતના ગંભીરથી અતિ ગંભીર ૧૮ જેટલા સંયુક્ત અને એકાંકી ગુનામાં સંડોવાયેલા કુખ્યાત દિનેશ ધનાજી ઠાકોર ઉર્ફે હવેલી ગેંગ સામે જિલ્લા પોલીસ અધિક્ષકે લાલ આંખ કરીને ગુજસીટોક કાયદા અંતર્ગત કાર્યવાહી કરી ગેંગના પાંચ સભ્યોને પકડી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ગત 31 ડિસેમ્બરના દિપક શકરાજી ઠાકોર ઉપર કરેલા ઘાતક હુમલા બાદ પોલીસ અધિક્ષકે પોતાનો આકરો મિજાજ દેખાડ્યો છે. ટીબી રોડ ઉપર વર્ષ ૨૦૨૧ની ઢળતી રાત્રિએ દિનેશ ધનાજી ઠાકોર ઉર્ફે હવેલી, દિલીપ ઉર્ફે લાલો અરજણજી ઠાકોર, વિજયજી ઉર્ફે બાદલ જયંતીજી ઠાકોર, સંદીપ ઉર્ફે કલર ભુપતજી ઠાકોર અને જય ઉર્ફે પિન્ટુ ભુપતજી ઠાકોરે દિપક શકરાજી ઠાકોર ઉપર ખૂની હુમલો કર્યો હતો. જે સંદર્ભે દિપકની માતા સજ્જનબેન ઠાકોરે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
• હુમલા સંદર્ભે તપાસ એલસીબીને સોંપાઈ હતી
૩૧ ડિસેમ્બરની રાત્રે બનેલી ઘટનાની ફરિયાદ બાદ તપાસ સ્થાનિક ગુના શોધક શાખાને સોંપવામાં આવી હતી. જેમાં પીઆઈ એ.એમ. વાળા, પી.એસ.આઇ એસ.ડી. રાતડા, પીએસઆઇ એ. કે. વાઘેલા, પીએસઆઇ સુરેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમે તપાસ કરતાં દિનેશ હવેલીના સાગરિતો સામે ૧૦ વર્ષમાં ૧૮ ગુના નોંધાયેલા હોવાથી બી ડિવિઝન પોલીસ મથકની ફરિયાદમાં ગુજસીટોક-૨૦૧૫ની કલમ ૩(૧),૩(૨),૩(૩),૩(૪) અને ૩(૫)નો ઉમેરો કરવા રિપોર્ટ કરતાં કોર્ટે રિપોર્ટ ગ્રાહ્ય રાખ્યો હતો. બનાવ વખતે ઘાયલ થયેલા એક શખ્સને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. બાદમાં ચાર મળી કુલ પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે બુટલેગર દિનેશ હવેલીને પકડી પાડવા પોલીસે દોડ લગાવી છે.
•દિનેશ હવેલી ગેંગ સામે આ 18 ગુનાઓ નોંધાયા છે
મહેસાણામાં છેલ્લા દસ વર્ષમાં દિનેશ હવેલી ગેંગએ આતંક મચાવ્યો છે. તેમની સામે વર્ષ ૨૦૧૧માં મહાવ્યથા ૦૧,૨૦૧૨માં જાનથી મારી નાખવાની ધમકી ૦૧,૨૦૧૩માં ધાડ સાથે અપહરણ ૦૧, ચોરી ૦૧,૨૦૧૪માં વ્યથા ૦૨, ૨૦૧૫માં હત્યાની કોશિશ ૦૧, ૨૯૧૬માં મહાવ્યથા ૦૧, રાયોટીંગ ૦૧, ૨૦૧૭માં હત્યાની કોશિશ ૦૧, ૨૦૧૮માં વ્યથા ૦૧, જાનથી મારી નાખવાની ધમકી ૦૧, ૨૦૧૯માં હત્યા ૦૧, પ્રોહીબીશન ૦૧, ૨૦૨૦માં રાયોટીંગ ૦૧, જાનથી મારી નાખવાની ધમકી ૦૧, ૨૦૨૧માં વ્યથા ૦૧ મળીને કુલ ૧૮ ગુના આચરવામાં આવ્યા છે.