પકડાયેલા શખ્સની વિરુદ્ધમાં અમદાવાદમાં બે ગુના નોંધાઈ ચૂક્યા છે
•પોલીસે શખ્સ પાસેથી રોકડ સહિત ૧.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ગાંધીનગર : (અપના મિજાજે નેટવર્ક)
ગાંધીનગર જિલ્લામાં મિલકત સંબંધી ગુના અટકાવવા અને બનેલા ગુનાને શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમને સૂચના આપી હતી. જે સંદર્ભે પીઆઇ એચ. પી. ઝાલા, જે.એચ. સિંધવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ પી જાડેજા, પી એસ આઈ પી ડી વાઘેલા સહિતનો સ્ટાફ તે દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી રહ્યો હતો. જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ અને નરેશ કુમારને અડાલજ પાસે એક મુસાફરના સાત લાખ ચોરી લેનાર શખ્સો વિશે બાતમી મળી હતી. જે બાતમી આધારે પોલીસે કડીના મહંમદઆસીફ આરીફ અન્સારી અને મોહમ્મદ અલીખાન છોટે ખાન ઉર્ફે ગુડ્ડુ ખાનને દબોચી લીધા હતા. પકડાયેલા શખ્સ પાસેથી પોલીસે રિક્ષા સહિત કુલ ૧.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરી તેઓની પૂછપરછ કરતા પકડાયેલ મહંમદ આસીફ અન્સારી સામે અમદાવાદમાં પણ બે ગુના નોંધાયા છે. જ્યારે મહમદ અલી ખાન પઠાણ કલોલ અને અમદાવાદમાં ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગરની ભાગોળે આવેલા અડાલજ ત્રિમંદિરથી રિક્ષામાં મુસાફરી કરતા એક શખ્સની બેગમાંથી સાત લાખ રૂપિયાની ચોરી થઈ જતા અડાલજ પોલીસ મથકે ગત તા.૭ જાન્યુઆરીના ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેઓ એક રિક્ષામાં મુસાફર તરીકે બેઠા હતા અને ઝુંડાલ સર્કલ તરફ જતા રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ નજીક તેમને રિક્ષાચાલકે ઉતારી દીધા હતા આ સમય દરમિયાન રિક્ષામાં અન્ય ત્રણ મુસાફરો પણ હતા. જે ફરિયાદ નોંધાયા બાદ ગાંધીનગર એલસીબીએ આ અંગેની તપાસ કરતા બે શખ્સોને પકડી પાડવામાં સફળતા મળી છે. જ્યારે તારીક આરીફભાઈ અન્સારી અને અન્ય એક શખ્સને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની આ કામગીરીમાં એએસઆઈ કિરીટકુમાર જેઠાભાઈ, હેડ કોન્સ્ટેબલ વિજય કુમાર ભીખાભાઈ, જોગિન્દરસિંહ મેહરસિંહ, રાજવીરસિંહ અત્તરસિંહ, લતીફખાન મહેબૂબ ખાન, પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ, નરેશભાઈ પરબતભાઈ અને જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ જોડાયા હતા.