•પોલીસે કુલ્લુના કિરણ નેગી નામના યુવાનની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી
પાલનપુર: (અપના મિજાજ નેટવર્ક)
‘કોઇ ભી ધંધા છોટા નહીં હોતા હૈ, ઔર ધંધે સે બડા ભગવાન નહીં હોતા હૈ’ સંભવત આવું જ માનીને હિમાચલ પ્રદેશના ધોરણ દસ ભણેલા યુવાને પોતાના ઘરની આસપાસ ચરસની ખેતી કરી ઓછી મહેનતે વધુ રૂપિયા કમાવા ગેરકાયદે ગણાતા ધંધાનું ‘કિરણ’ તેજ કર્યું હશે. પરંતુ ગઈકાલે અમીરગઢ પોલીસે હિમાચલ પ્રદેશના કુલ્લી થી ગોવા લઇ જવાતા કરોડો રૂપિયાના ચરસને પકડી પાડી કાળા કારોબારના ‘કિરણ’ને ‘અસ્ત’ કરી દીધું છે.
બનાસકાંઠાના અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી એક કારનું ચેકિંગ હાથ ધરાતા કારમાંથી કરોડો રૂપિયાના ચરસનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસ સૂત્રોએ આપેલી વિગત મુજબ ગુરુવારે રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતી હિમાચલ પ્રદેશના આરટીઓ રજિસ્ટ્રેશન વાળી કારને થોભાવી પોલીસ ટીમે તપાસ કરતા કારના સીટના નીચે ગુપ્ત ખાનામાંથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં 14 કીલો 600 ગ્રામ બજાર કિંમત 1.46 કરોડનું ચરસ પકડી પાડયાનુ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસે ચરસનો જથ્થો કારમાં લઈ આવનાર હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના હરિપુર ગામના કિરણ અમરચંદ નેગી નામના ધોરણ દસ ભણેલા યુવાનની અટકાયત કરી પૂછપરછ કરતા યુવાને ચરસનો જથ્થો ગોવા લઈ જતો હોવાની માહિતી આપી હતી.
•મોટા પ્રમાણમાં ચરસ પકડાતા એસ.ઓ.જી સહિતની ટીમ પણ દોડી ગઇ
રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતી કારમાંથી ચરસનો મોટા પ્રમાણમાં જથ્થો પકડાયા હોવાની માહિતી પોલીસ કર્મચારીઓએ અમીરગઢ પોલીસ મથકના પીએસઆઇ એમ કે ઝાલાને આપતા તેઓ તાત્કાલિક બોર્ડર પર દોડી આવ્યા હતા. જ્યાં પ્રાથમિક તપાસ અને યુવકની પૂછપરછમાં જે વિગતો સામે આવી તેને લઇ ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી હતી જેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ બીઆર ગઢવી સહિતની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બનાવ અંગે એફએસએલને જાણ કરતાં એફએસએલના અધિકારીઓ પણ અમીરગઢ બોર્ડર પર દોડી આવ્યા હતા અને જરૂરી નિરીક્ષણ કર્યું હતું.
•યુવક ઘરની આસપાસ જ ચરસ ની ખેતી કરતો અને માલ ગોવામાં વાંચી નાખતો હતો
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં રહેતો કિરણ નેગી પોતાના ઘરની આસપાસ આવેલા જંગલ વિસ્તારમાં ચરસની ખેતી કરતો હતો અને ત્યાંથી ચરસ ગોવા લઈ જતો અને ગોવામાં બે-ત્રણ મહિના રોકાઈ જાતે જ તેનું વેચાણ કરતો હતો. પોલીસના હાથે પકડાયેલો કિરણ ધોરણ 10 સુધી ભણેલો છે અને ખેતીનું કામ કરે છે. હિમાચલ પ્રદેશ થી ચરસનો જથ્થો ભરી કિરણ હરિયાણા રાજસ્થાનની બોર્ડર પાર કરી ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યો હતો. પોલીસે કિરણ પાસેથી ચરસના જથ્થા ઉપરાંત રોકડ 26000, 5 મોબાઇલ ફોન અને કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.