Apna Mijaj News
Breaking Newsરજૂઆત

મહેસાણા પાલિકાના સત્તાધીશોએ ધ્યાને લેવું નહીં! ‘સાહેબ’ ની જેમ તમે ‘બારોબારીયુ’ ના કરો, મેદાન મુદ્દે કોંગ્રેસ આક્રમક

પાલિકા હસ્તકનાં રમત ગમત મેદાનને ચૂપચાપ ખાનગી એજન્સીને પધરાવી દેવાનો કારસો
સત્તામાં બેઠેલા લોકો મોટી આવક રળી લેવાના ઇરાદા ધરાવતા હોવાના કોંગ્રેસના આક્ષેપથી ગરમી
ખાનગી સંસ્થાને ગ્રાઉન્ડ આપતા પહેલા ટેન્ડરિંગ કરો, બાળકો નજીવા દરે રમી શકે તેવું આયોજનની માગ
મહેસાણા: (અપના મિજાજ નેટવર્ક)
     મહેસાણા શહેરની મધ્યમાં આવેલા નગરપાલિકા હસ્તકના રમત ગમતનું મેદાન કરોડો રૂપિયાના ખર્ચે સુશોભિત કરવામાં આવ્યું છે. નગરમાં વસવાટ કરતા રમતવીરો સારી રીતે આ મેદાનનો ઉપયોગ પોતાનું કૌશલ્ય ઉજાગર કરવા કરી શકે તે માટે અનેકવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જોકે પાલિકામાં બેઠેલા સત્તાધીશો ચૂપચાપ મેદાનને કોઈ ખાનગી સંસ્થાને પધરાવી ‘બારોબારીયુ’ કરવાની પેરવી કરતા હોવાનો સનસનીખેજ આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કરતા ભરશિયાળે ગરમીનો માહોલ ઉભો થયો છે.
     મહેસાણાની મામલતદાર કચેરી પાસે નિર્મિત રમતગમતનું મેદાન ખાનગી એજન્સીને આપી દેવા માટે કારસો રચાતો હોવાના આક્ષેપ કરી કોંગ્રેસના આગેવાનો આ મુદ્દે આક્રમક થયા છે. પાલિકાના પૂર્વ પ્રમુખ જયદીપસિંહ ડાભી, શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટ, શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મેઘાબેન પટેલ, પૂર્વ નગરપતિ ઘનશ્યામ સોલંકી અને પ્રદેશ કોંગ્રેસ લઘુમતી સેલના મહામંત્રી મુજમ્બીલખાને સંયુક્ત રીતે જિલ્લા સમાહર્તાને એક પત્ર લખી આ બાબતે તેઓનું ધ્યાન દોરી જણાવ્યું છે કે શહેરમાં પેવેલિયન સાથેનું આવેલું ગ્રાઉન્ડ નગરના તમામ વર્ગના યુવાનો અને યુવતીઓ માટે દિવ્ય સ્વપ્ન સમાન છે. અહીં અમીર, ગરીબ અને મધ્યમ વર્ગના યુવક-યુવતી દેશના ખ્યાતનામ રમતવીરોની તુલનામાં આવી શકે તેમ છે. પરંતુ પાલિકાની સત્તામાં બેઠેલા લોકો શહેરના રમતવીરોના સપના ચકનાચૂર કરવા તૈયારી કરતા હોવાની આશંકા દર્શાવી છે. તેઓએ આક્ષેપ કરતા કહ્યું છે કે પાલિકાના સત્તાધીશો કોઈ ખાનગી સંસ્થાના હવાલે રમત ગમતનું મેદાન મૂકી વ્યાપારીકરણ કરી તગડી આવક રળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
    રમત ગમતનું મેદાન ચૂપચાપ કોઈ ખાનગી એજન્સીને આપતા પૂર્વે તેની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઇ અને તંદુરસ્ત હરીફાઈ કરી યોગ્ય વ્યક્તિને મેદાનો હવાલો સોંપાય તેવી માગણી કરતા કોંગી આગેવાનોએ કહ્યું છે કે પાલિકામાં વેરા ભરતી પ્રજાના બાળકો નજીવી કિંમતમાં મેદાનનો ઉપયોગ કરી અહીં રમત ગમત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરે તે બાબતે યોગ્ય રાહે કાર્યવાહી કરવા માગણી મૂકી છે. ઉપરાંત કોંગી આગેવાનો એવી પણ ચિમકી આપી છે કે જો ટેન્ડર પ્રક્રિયા નહીં કરાય તો નાછૂટકે રાજ્યની વડી અદાલતમાં આ અંગે દાદ માગતી કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

અલ્યા શું વાત કરો છો? મહેસાણા ‘એ’ ડિવિઝન પોલીસ મથકના બે કોન્સ્ટેબલ હપ્તાખોર છે!?

ApnaMijaj

બીજા લગ્ન કરવા બાળકી નડતરરૂપ બનતાં ઉનાવામાં તરછોડી દીધી’તી

ApnaMijaj

કડીનો નગરસેવક નાયક “ના લાયક”નીકળ્યો

ApnaMijaj

Leave a Comment

error: Content is protected !!