•ચાર પોલીસ કોન્સ્ટેબલો યુનિફોર્મ પહેરી નિયમના ધજાગરા ઉડાડતા હોવાનો વિડીયો વાયરલ
•રસ્તા પર દોડતા વાહનમાં મારવાડી ગીતમાં મશગુલ બનેલા ત્રણ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવાયા
•બનાસકાંઠા જિલ્લામાં નોકરી કરતા એક કોન્સ્ટેબલ સામે પણ કાર્યવાહી કરવા જે તે અધિકારીને જાણ કરાઈ
ગાંધીધામ: (અપના મિજાજ નેટવર્ક)
ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ કોન્સ્ટેબલો અને કચ્છ જિલ્લા માંથી બદલી પામી બનાસકાંઠામાં મુકાયેલો એક કોન્સ્ટેબલ કોઇ વાહનમાં જઈ રહ્યા હતા. વાહનમાં રહેલી મ્યુઝિક સિસ્ટમ ઉપર મોટા અવાજે વાગતા મારવાડી ગીતના તાલે પોલીસ યુનિફોર્મમાં જ મન મુકીને ઝુમી રહ્યા હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીયો પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલના ધ્યાને આવતા ત્રણ પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે વાહનમાં સવાર કચ્છ જિલ્લામાંથી બનાસકાંઠામાં બદલી પામી બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા સાથી કર્મચારી અંગે જે તે પોલીસ અધિકારીને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ચાલુ વાહને સીટ બેલ્ટ બાંધ્યા વગર મુસાફરી કરતા પોલીસ અધિક્ષકે ટ્રાફિક નિયમોની અવગણના તેમજ શિસ્તબદ્ધ વિભાગને ન શોભે તેવું વર્તન કરી સમાજમાં પોલીસ વિભાગની છબી ખરડાય તેવું વર્તન કરાયું હોવાથી તેઓની સામે આકરા પગલાં ભરતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે.
પૂર્વ કચ્છના ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ કોન્સ્ટેબલો અને જિલ્લામાંથી બનાસકાંઠામાં બદલી પામેલા એક કોન્સ્ટેબલ કોઇ વાહનમાં મુસાફરી કરી રહ્યા છે. તેઓ જે વાહનમાં મુસાફરી કરે છે તે વાહનમાં લગાવેલી મ્યુઝિક સિસ્ટમમાં મારવાડી ગીત ‘ભંડારામાં નાચે મારી બિંદણી રે…’ના તાલે ચાલુ વાહનમાં જોર જોરથી નાચી રહ્યા હોવાનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયાની સાઇટ પર વહેતો કર્યો છે. ચાલુ વાહનમાં નાચી રહેલા પોલીસ કોન્સ્ટેબલોએ યુનિફોર્મ પહેર્યો છે. જેથી તેઓ ફરજ ઉપર હોય તેવું જણાઈ આવે છે. વાહનમાં સવાર પોલીસ કોન્સ્ટેબલો ગીતના તાલે ઝૂમી રહ્યા છે અને ગાઈ રહ્યા છે. શિસ્તબદ્ધ વિભાગના કર્મચારીઓની કરતુત જીલ્લા પોલીસ અધિક્ષકની સામે આવતા તેઓએ તાત્કાલિક અસરથી ‘એ’ ડિવિઝન પોલીસ મથકના 3 કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી ખાતાકીય રાહે પગલાં ભર્યા છે. જ્યારે તેઓની સાથે રહેલા અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ કે જેઓની બદલી બનાસકાંઠા જિલ્લામાં થયેલી છે તેમની સામે પણ કાર્યવાહી કરવા જે તે અધિકારીને જાણ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકના બે કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા આ અંગે પોલીસ બેડામાં ભારે ચહલપહલ મચી ગઇ છે.
• આ પોલીસ કોન્સ્ટેબલોને ઘરભેગા કરી દેવાયા
(૧) જગદીશ ખેતાભાઇ સોલંકી, (૨) હરેશ ઇશ્વરભાઇ ચૌધરી અને (૩) રાજા મહેન્દ્રકુમાર હિરાગર જ્યારે જિલ્લામાંથી બદલી પામી બનાસકાંઠા મુકાયેલા નવીન વિરચંદભાઈ ભાડલા સામે પણ પગલાં લેવા જે તે અધિકારીને જાણ કરવામાં આવી છે.
•જે વાહનમાં નાચગાન થઈ રહ્યું છે તે સરકારી છે કે ખાનગી ?
રસ્તા પર દોડતા વાહનમાં મારવાડી ગીત ઉપર ચાલુ ડ્રાઇવિંગ સીટ બેલ્ટ પહેર્યા વગર નાચ ગાન કરતાં પોલીસ કોન્સ્ટેબલો સરકારી વાહન લઈને જઈ રહ્યા છે કે ખાનગી વાહન, તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. જોકે પ્રથમ દ્રષ્ટિએ વાહન બોલેરો જીપ જેવું દેખાઈ રહ્યું છે. જેને લઇ એક અંદાજ એવો પણ લગાવી શકાય કે પોલીસ કોન્સ્ટેબલો પાસે રહેલ વાહન સરકારી પણ હોઈ શકે.