•કચેરી ખોલવાનો સમય દસ વાગ્યાનો અને ૧૧.૧૫ વાગ્યા સુધી કચેરીને તાળા મારી રાખ્યાં
•આરોગ્યલક્ષી અને અન્ય કામગીરી માટે આવેલા લોકો ઠંડી વેઠતા બહાર બેસી રહ્યાં
•તાલુકા હેલ્થ ઓફિસરને જાણે કોઈ કહેવા વાળું ન હોય એ રીતે વર્તન કરતા હોવાની ફરિયાદ
•આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રાજ્યમાં આરોગ્ય સેવા સારી રીતે ચાલી રહી છે તેવી વાતો કરે છે પણ અહીં વાસ્તવિકતા જુદી છે
કલોલ: (અપના મિજાજ નેટવર્ક)
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રાજ્યમાં આરોગ્ય સેવા સારી રીતે ચાલી રહી હોવાની સુયાણી વાતો કરે છે. પરંતુ પાટનગર ગાંધીનગર થી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલા જિલ્લાના મુખ્ય તાલુકા મથક કલોલની હાલત આરોગ્ય મંત્રી કહે છે તેવી તો નથી જ. કોરોનાની ત્રીજી લહેર માથે દસ્તક દઇને બેઠી છે અને પોતાનું બિહામણું સ્વરૂપ જનતાને બતાવી રહી છે ત્યારે કલોલ તાલુકા આરોગ્ય અધિકારીને ડબલ બુસ્ટર ડોઝ આપવા પડે એવા દ્રશ્યો આજે અહીંના આરોગ્ય કેન્દ્ર ઉપર જોવા મળ્યા હતા.
કલોલ માં આવેલી તાલુકા આરોગ્ય અધિકારીની કચેરીમાં આજે સવારથી જ આરોગ્યલક્ષી કામગીરી અને આયુષ્યમાન કાર્ડ મેળવવા માટે અરજદારો મોટા પ્રમાણમાં આવ્યા હતા. આમ તો મુખ્યત્વે દસ વાગ્યા સુધી ખૂલી જતી આ કચેરીમાં અંદાજે સાડા દસથી અગિયાર વાગ્યા સુધી મુખ્ય અધિકારી ફરક્યા ન હતા. જેને લઇને કામગીરી માટે આવેલા અરજદારો તેમની રાહ જોતા શિયાળાના ઠંડા પવનમાં સવારનો કૂણો તડકો ખાતા ખાતા રાહ જોઈને બેસી રહ્યા હતા. વાત અહીંથી નથી અટકતી પરંતુ અહીં અરજદારોની સાથે સાથે તાલુકા હેલ્થ કચેરીનો સ્ટાફ પણ કચેરીના તાળા ખુલે એની રાહ જોતો ‘ઇમ્તહા હો ગઈ ઇન્તજાર કી આઈના કોઈ ખબર…’ના તાલની જેમ આંટાફેરા કરી રહ્યો હતો. આખરે અંદાજે સવા અગિયારથી 11:30ની વચ્ચે કોઈ કચેરીના તાળાની ચાવી લઈને આવ્યું અને કચેરીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે મુખ્ય આરોગ્ય અધિકારી તો આટલા વાગ્યા સુધી પધાર્યા જ નહોતા.
•તાલુકા હેલ્થ ઓફિસર કોરોના કેસના આંકડા પણ આપતા નથી
કલોલ શહેર અને તાલુકામાં કોરોના કેસ કેટલા આવ્યા તે અંગેના આંકડા કલોલ તાલુકા કક્ષાએ રહીને પોતાની ફરજ બજાવતા મીડિયા કર્મચારીઓને આપવામાં પણ તાલુકા હેલ્થ ઓફિસરને કાંટા વાગતા હોય તેવી ફરિયાદ ઉઠી છે. જો કોઈ મીડિયા કર્મચારી આ અંગે વાત કરે તો મુખ્ય તાલુકા અધિકારી જિલ્લા કક્ષાએથી આંકડા લઈ લો તેવા ઉડાઉ જવાબ આપી હાથ ખંખેરી ઉભા રહી જાય છે.