•મંગળવારની રાત્રે અમંગળ ઘટનાને અંજામ આપનાર ખરેખર રેંચો હતો કે પછી તેનું નામ ચરી ખવાયું?
•સંભવતઃ રેંચોની ગેમ બજાવવા આવેલાં ચાર શખ્સોને પોલીસે પિસ્તોલ અને કારતુસ સાથે ઝડપી લીધા હતાં
• કુખ્યાત શખ્સોની અંગત અદાવત જિલ્લામાં લોહિયાળ ઘટનાને અંજામ આપે તેવી દહેશત ફેલાઈ
મહેસાણા: (અપના મિજાજ નેટવર્ક)
મહેસાણા જિલ્લાના ‘સોનાની દડી’ ગણાતા કડીમાં સ્વિફ્ટ કારમાં સવાર થઈને આવેલા ત્રણ લૂંટારૂઓએ એક ટ્રક ચાલકને રોકી ચપ્પાના ઘા મારી રૂ. 25 હજારની લૂંટ કરી ભાગી જતા સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે. લૂંટની ઘટનાને અંજામ આપતી વખતે એક લૂંટારુએ બીજાને ‘રેંચો, તું એને ખભા પર નહીં શરીરના અન્ય ભાગ પર ચપ્પુ માર’એવું કહેતા રેંચો હવે પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયો હોવાની પણ ચર્ચા જિલ્લાભરમાં ઊઠી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે જ ઝાલાવાડ પંથકના ચાર શખ્સો પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે કડી દેત્રોજ રોડ પરથી જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાની ટીમના હાથે પકડાયા છે. જેઓએ કટોસણના કુખ્યાત શખ્સ સાથે અંગત અદાવત હોવાથી હથિયાર સાથે રાખતા હોવાની વાત પોલીસ સમક્ષ ઓકી છે. પરંતુ પકડાયેલા શખ્સો રેંચોની ગેમ બજાવવાની ફિરાકમાં હોવાની વાત પ્રસરી છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગઈકાલે મંગળવારે સમી સાંજના પોણા આઠ વાગ્યાના અરસામાં લૂંટની ઘટના બની હતી. જેમાં ટ્રક નં. RJ7GA7199નો ચાલક પોતાની ટ્રક લઈને કડીની રાજેશ્વરી જીનીંગ ફેક્ટરીમાંથી કપાસિયાનો ખોળ ભરી બીકાનેર જવા નીકળ્યો હતો. જ્યાં કડીથી નંદાસણ જતા રોડ પર ડી રાજા કંપની સામે ટ્રકની પાછળથી નંબર વિનાની સ્વિફ્ટ કારના ચાલકે આવીને ટ્રકને ઓવરટેક કરી ટ્રક થોભાવી હતી.
જ્યાં કારમાં સવાર ત્રણ શખ્સોએ ટ્રકચાલકને કહ્યું હતું કે તેઓ લોન વાળા છે. તમારી ગાડીના હપ્તા ચડ્યા છે તેમ કહી શખ્સોએ ટ્રક ચાલકનો મોબાઇલ પડાવી લીધો હતો. તેમજ ટ્રકચાલકને ધક્કો મારી કારમાં આવેલા શખ્સો પૈકીનો એક વ્યક્તિ ટ્રક હંકારી નંદાસણ રોડ પર લઇ જઇ ફરી ટ્રક કડી તરફ લઇ આવ્યા હતા. જ્યાં એક લૂંટારૂએ ટ્રક ચાલકના હાથે ચપ્પાના ઘા મારી તેના ખિસ્સામાંથી 25 હજાર રૂપિયા લૂંટી સ્વિફ્ટ ગાડી લઇ ફરાર થઈ ગયા હતા. જ્યારે હુમલાખોરો પૈકી એકે ટ્રક ચાલકને ચપ્પાના ઘા મારી રહ્યો હતો ત્યારે બીજાએ કહ્યું હતું કે ‘રેન્ચો’ ખભા પર ચપ્પુ મારીશ નહિ, તેના શરીરે ચપ્પુ માર. આ દરમિયાન એક લૂંટારૂનું નામ ટ્રક ડ્રાઇવર સાંભળી જતા તેને નામ યાદ રહી ગયું હતું. જેથી હાલમાં કડી પોલીસ મથકમાં ટ્રકચાલક દેવકિશન કુલડીયાએ લૂંટ કરવા આવેલા રેન્ચો અને તેની સાથે આવેલાં બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
•ઝાલાવાડના શખ્સો જે રેંચોનું નામ આપે છે શું ખરેખર તે જ લૂંટમાં સામેલ છે? કે પછી સાપે મરે અને લાઠીયે ના તૂટે!
ઝાલાવાડના ચાર શખ્સોને બે દિવસ પૂર્વે જ જિલ્લાની ટ્રાફિક શાખાએ ઘાતક હથિયારો સાથે પકડી લીધા હતાં. જે કેસની તપાસ હાલ એસ.ઓ.જી શાખાને ચલાવી રહી છે. પકડાયેલા શખ્સોએ કટોસણના નરપતસિંહ ઉર્ફે રેંચો ઝાલા સાથે તકરાર હોવાથી તેના હુમલાથી બચવા હથિયાર સાથે રાખ્યા હોવાની વાત પોલીસ સમક્ષ કરી છે. જોકે ગઈ કાલે બનેલી લૂંટની ઘટના માં ત્રણ શખ્સો પૈકી એક જણે પોતાના સાથીને રેંચો કહીને સંબોધ્યો હતો. પરંતુ અહીં શંકા ઉપજાવતી બાબત એ છે કે ખરેખર આ લૂંટમાં રેંચો ઉર્ફે નરપતસિંહ સામેલ છે કે પછી અન્ય કોઈ રેંચો છે? બીજી બાબત એ શંકા ઉપજાવે છે કે બે દિવસ પૂર્વે ચાર શખ્સો પોલીસના હાથે હથિયારો સાથે પકડાયા છે તેઓએ પણ રેંચો થી બચવા હથિયાર રાખ્યા હોવાની વાત કરી છે તો ક્યાંક એવું તો નથી ને કે આમના જ સાગરીતોએ પોલીસ સુધી રેંચોનું નામ જાય અને પોલીસ રેંચોની પાછળ પડી જાય અને કોઈનું કામ આસાન થઈ જાય એટલે કે લાઠી પણ ન તૂટે અને સાપ મરી જાય! જોકે આ તમામ બાબત શંકા ઉપજાવે તેવી છે. પોલીસ તપાસમાં જે ખુલશે તે જ સત્ય હશે.
•ટ્રક ચાલકને સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે
સ્વીફ્ટ કારમાં ધસી આવેલા ત્રણ લોકોએ લોન ના હપ્તાની રીકવરી કરતા હોવાની ઓળખાણ આપી કડી નંદાસણ માર્ગે ટ્રક થોભાવીને ટ્રકચાલક પર ચપ્પુ વડે હુમલો કરી 25,000ની લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. ચપ્પા વડે કરાયેલા હુમલામાં ઘાયલ થયેલા ટ્રકચાલકને અન્ય વ્યક્તિઓની મદદથી કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
• પોલીસ તપાસ ચાલુ છે,24 કલાક પછી પણ લુંટારુ પકડાયા નથી
મંગળવારની સમી સાંજે પોણા આઠ વાગ્યાના અરસામાં બનેલી ઘટનામાં લૂંટને અંજામ આપનાર શખ્સો અંગે વિગતો આપતા કડી પોલીસ મથકના પી.આઈ. ધર્મિષ્ઠાબેન ડી. ગોસ્વામીએ કહ્યું હતું કે ઘટના અંગે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે લૂંટને અંજામ આપનાર શખ્સોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આજે બીજા દિવસે સમી સાંજ સુધી ત્રણ પૈકી એક પણ આરોપી પોલીસના હાથ ચડ્યો નથી.