• ભુજ, માંડવી,નખત્રાણા, અબડાસા, લખપત અને ભચાઉ તાલુકામાં ઝરમર વરસાદ, રવી પાકને નુકસાની થવાની ભીતિ
• ભુજમાં સમયાંતરે ઝરમર, નખત્રાણા, ટોડીયા અને આસપાસના ગામોમાં ઝરમર વરસાદ
• ત્રણ-ચાર દિવસ આવું વાતાવરણ રહ્યું તો 50 ટકાથી વધુ પાક નિષ્ફળ જશે : ખેડૂતો
ભુજ:(અજય જાની)
રાજ્યના ખેડૂતો અનેકવિધ પ્રકારે પોતાની મુશ્કેલી વેઠી રહ્યાં છે. ખેતી કરવા ખેડૂતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ બનાવી છે અને ખેડૂતો તેનો લાભ પણ લઈ રહ્યા છે પરંતુ ક્યાંક-ક્યાંક સરકારી તંત્ર ખેડૂતોને તે લાભ આપવામાં પાછીપાની કરતા હોવાની પણ વાહ સનાતન સત્ય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી થતા અન્યાય સામે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે તે પછી kcc વ્યાજ રિફંડનો મુદ્દો હોય કે પાક ધિરાણ, વીમાની વાત હોય, કુદરતી આફત સામે વળતરની બાબત હોય કે પછી અન્ય કોઈપણ પ્રશ્ન હોય. ખેડૂત હંમેશા અન્યાય સહન કરતો આવતો હોય તેવા અનેક દાખલા રાજ્યભરમાંથી રોજ સવાર પડે ને જોવા મળતા હોય છે. ખેડૂતો માટેની કહેવાતી માઈબાપ સરકાર અને તેમનું તંત્ર ખેડૂતોને પરેશાન કરવામાં ક્યાંય પાછું પડતું નથી ત્યાં તો કુદરત પણ પીડા આપવામાં પાછીપાની કરતી નથી. આ વાત પણ આજે ફરી એક વખત રાજયભરની સાથો-સાથ કચ્છ જિલ્લામાં પણ સાચી ઠરી છે.
કચ્છમાં ફરી એક વખત કમોસમી વરસાદની શરૂઆત થતાં ધરતીપુત્રોની હાલત કફોડી બની ગઈ છે. જિલ્લામાં વાતાવરણ વાદળછાયું બની ગયુ છે. જિલ્લા મથક ભુજ સહિત માંડવી,નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં ઝરમર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના પગલે માહોલ શુષ્ક બની ગયો છે. જેની સીધી અસર જનજીવન પર વર્તાઈ રહી છે. વધુ વરસાદના ભયે ખેડૂતોમાં ખેતરમાં ઊભા પાકને નુકશાન પહોંચવાની ચિંતા વ્યાપી ગઈ છે. જોકે વાદળછાયા વાતાવરણ અંગે હવામાન વિભાગે બે દિવસ પૂર્વે આગાહી કરી હતી.
ભુજમાં સમયાંતરે ઝરમર છાંટા પડી રહ્યા છે. તો માંડવી તાલુકાના ગઢસીસા, નાની વિરાણી, રાજપર, ભેરૈયા, દરસડી મોમાઈમોરા, લુડવા તેમજ નખત્રાણા અને તાલુકાના ટોડીયા અને તેની આસપાસના ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. નલિયામાં આજે વહેલી સવારે વરસાદ પડતાં પાણી વહી નીકળ્યા હતા. ઉપરાંત વિસ્તારના રામપર અબડા, ગોયલા, મોખરા, છાડુરા, તેરા, જગડિયા, ઐડા, બુટા જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેને લઇને ખેતર વાડીઓમાં ઉભેલા રવિપાકને મોટુ નુકશાન થવાની ભિતી ખેડૂત વર્ગ દર્શાવી રહ્યો છે.
• દરસડી પંથક પણ કમોસમી વરસાદમાં પલળ્યો: વિવેક ગણાત્રા
માંડવી તાલુકાના દરશડી પંથકમાં પણ આજે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. વિસ્તારમાં આવેલા આસપાસના ગામોમાં પણ આકાશમાં વાદળછાયા વાતાવરણથી અંધારૂ છવાયું હતું તેમ જ અલ્પ માત્રામાં છાંટા ચાલુ રહ્યા હોવાનું લુડવા ગામના યુવા અગ્રણી વિવેક ગણાત્રાએ અહેવાલ આપ્યા હતા.
• રવીપાકને માઠી અસર થવાના એંધાણ, ખેડૂતો ચિંતાતૂર
કુદરત સામે લાચાર બનેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે ધરતી માતાના ખોળે મોંઘુ બિયારણ ધરીને હાલ ઘઉં અને રાયડા સહિત અન્ય શિયાળુ સીઝનનું વાવેતર કરવામાં આવ્યું છે. જેની સીધી અસર વરસાદના કારણે મહા મોંઘા પાક ઉપર પડશે. જેને લઇને ખેડૂતોને મોટો આર્થિક ફટકો વેઠવાનો વારો આવશે. દિવાળી ઉપર કરવામાં આવેલા શિયાળુ પાકના વાવેતરમાં હવે જ પાકમાં ફુલમાંથી દાણો પકડવાની શરૂઆત થતી હોય છે. જેના માટે સૂર્ય ઉર્જા અનિવાર્ય છે. જે વર્તમાન સમયમાં સર્જાયેલા માહોલથી નથી મળી રહી. જેના કારણે ઘરૂં, રાયડો, જીરું, કપાસ, વરિયાળી વગેરે પાકને ખૂબ જ નુકશાનકર્તા બની રહેશે. માવઠાને પગલે 30 ટકા ઉભા મોલને અસર થશે.
•હજુ ત્રણ-ચાર દિવસ આવું વાતાવરણ રહ્યું તો 50 ટકાથી વધુ પાક નિષ્ફળ જશે: ખેડૂતોની ચિંતા
ખેડૂતોએ પોતાની મહાવ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે આવું વતાવરણ હજુ ત્રણ ચાર દિવસ રહ્યું તો દૈનિક 5 ટકાની નુકશાની સાથે 50 ટકાથી વધુ પાક નિષ્ફળ જશે અને જે ઉપજ મળશે એ પણ નબળી આવશે. એક પ્રકારે ખેતી માટે હાલનો સમય અતિ મહત્વનો ગણાય છે. જેમ તાજું જન્મ લેતું કોઈ પણ જીવનું બચ્ચું હૂંફ વગર વિકસિત નથી થતું તેમ પાકનું પણ એવુ જ છે. સરકાર મદદ કરે તેમજ કુદરત વ્હારે આવે તો સારું એમ જણાવતા ખેડૂતો ભાવુક થઈ ઉઠ્યાં હતા.