•રૂપિયાની લેતી-દેતી મુદ્દે દારૂ પીતા પીતા બોલાચાલી થઈ અને ખેલાઈ ગયો રક્તરંજીત ખેલ
•પકડાયેલા આરોપીએ અગાઉ પણ એક હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું
અમદાવાદ:
અમદાવાદના નારોલ વિસ્તારમાં નારોલ વિસ્તારમાં રૂપિયાની લેતી-દેતી મુદ્દે બે મિત્રો વચ્ચે દારૂ પીતા પીતા શાબ્દિક બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઉગ્ર થતાં મિત્રએ પથ્થર વડે સાથી મિત્રનું માથું છુંદી નાખી તેની નિર્મમ હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી ગઇ છે. હત્યા કરી ભાગી છૂટેલા શખ્સને પોલીસે ગણતરીના કલાકમાં જ દબોચી લીધો હતો. પોલીસ પૂછપરછમાં પકડાયેલા શખ્સે અગાઉ પણ એક હત્યા કરી હોવાની કબૂલાત આપી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
નારોલ પોલીસે મિત્રની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે પકડેલા સ્ટોન કિલરનું નામ સતીષ ઉર્ફે સત્યો રાઠોડ છે. સતીશ થોડા દિવસ પહેલાં જ નારોલમાં સનરાઈઝ હોટલ નજીક આવેલા ઉમંગ ફ્લેટમાં રહેવા આવ્યો હતો.દરમિયાન તેનો રાજેશ યાદવ સાથે સંપર્ક થયો હતો. આરોપી સતીશને ખબર પડી કે રાજેશ પાસે રૂપિયા આવ્યા છે, જેથી સતીશે તેની પાસેથી રૂપિયા માંગ્યા હતા. રાજેશે રૂપિયા આપવાની ના પાડતાં સતીશે અદાવત રાખી રાજેશ પર હુમલો કર્યો હતો.
• પકડાયેલા શખ્સે અગાઉ પણ એક હત્યા કરેલી છે
રાજેશ 2 જાન્યુઆરીના સાંજે પોતાના ઘરેથી નીકળ્યો હતો. ત્યારે આરોપી સતીશ રાઠોડે તેની સાથે તકરાર કરી અને નજીકમાં આવેલી ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીઝની ખાલી પડેલી અવાવરૂ ઓરડીમાં પથ્થરથી માથું છૂંદીને હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો. પોલીસે બાતમીના આધારે સ્ટોન કિલરની ધરપકડ કરી પૂછપરછ કરતાં સત્યા રાઠોડે અગાઉ પણ એક હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.
• પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી
પોલીસે ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં, જેમાં ગણતરીના કલાકમાં આરોપીને પકડવામાં નારોલ પોલીસને સફળતા મળી હતી. નારોલમાં કરેલા સ્ટોન કિલિંગ કેસ બાદ પોલીસ ઇસનપુરમાં કરેલી હત્યાની જાણ થતાં હવે તપાસ કરી રહી છે. ઇસનપુરમાં થયેલી હત્યામાં સ્ટોન કિલિંગ છે કે કેમ તે જાણવા તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. આરોપીએ 40 વર્ષીય રાજેશ યાદવના મોત પાછળ રૂપિયા જ એકમાત્ર કારણ છે કે કંઈ બીજુંએ જાણવા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.