મહેસાણા: મહેસાણા પાલિકા દ્વારા શહેરીજનોને મુસાફરી માટે સુવિધા મળી રહે એટલે શહેરી બસ સેવા શરૂ કરવામાં આવી છે. શહેરમાં નાગરિકોની સુવિધા માટે દોડતી આઠ જેટલી બસો શહેરી વિસ્તારની સાથે-સાથે હવે ગામડાઓના પણ આંટાફેરા કરવા માંડી છે. જે અંગે પાલિકાના વિરોધ પક્ષના નેતાએ વાંધો ઉઠાવીને શહેરી બસ સેવાને શહેર પૂરતી જ મર્યાદિત રાખવામાં આવે તેવી માગણી કરી છે. ગામડાઓમાં દોડી જતી બસોને લઇ પાલિકા શહેરીજનોના ટેક્સ નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપ પણ તેઓએ કર્યા છે.
પાલિકાના વિપક્ષી નેતા કમલેશ સુતરીયાએ મુખ્ય અધિકારી અને પ્રમુખને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, શહેરીજનોની મુસાફરી માટે પાલિકા દ્વારા શહેરી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેનો કોન્ટ્રાક્ટ ગુરુકૃપા એજન્સી ને આપવામાં આવ્યો છે અને તેને માસિક ૧૧થી૧૨ લાખ રૂપિયાનું ચુકવણું કરવામાં આવે છે. એજન્સી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આઠ જેટલી બસો દોડાવવામાં આવે છે. જે બસના રૂટ શહેરી વિસ્તારો સિવાય આસપાસના ગ્રામ્ય વિસ્તારોને પણ આવરી લેતા હોઈ ગ્રામ્ય વિસ્તારના રૂટ તાત્કાલિક ધોરણે બંધ કરવા વિપક્ષી નેતાએ માગણી ઉઠાવી છે. તેઓએ પોતાનો વાંધો ઉઠાવતા જણાવ્યું છે કે બસ એજન્સીના સંચાલકોને પ્રતિ કિલોમીટરે ૩૩.૫૧ રૂપિયા નું ચુકવણું કરવામાં આવે છે. જ્યારે બસમાં ક્યારેક એક કે બે મુસાફરો માત્ર હોય છે અને બસ ઘણી વખત એક પણ મુસાફર વગર બસ તેના રૂટ પર દોડતી રહે છે. તેઓએ પ્રશાસનનું ધ્યાન દોરતા એમ પણ જણાવ્યું છે કે તોરણવાળી માતાના ચોકમાં સિટી બસનો સર્વિસ ડેપો આપેલો હોઈ અહીં બસના ટ્રાફિકથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી સીટી બસનો ડેપો અન્યત્ર ખસેડવા પણ તેઓએ માગણી ઉઠાવી છે. ઉપરાંત તેઓએ કહ્યું છે કે ગ્રામ્ય વિસ્તારના રૂટ બંધ કરી બસ સેવા માત્ર શહેરી વિસ્તાર પૂરતી રાખવામાં આવે અને આઠ પૈકી બે થી ત્રણ બસ ઓછી કરી પાલિકા માથેનું આર્થિક ભારણ ઓછું કરી જનતાના ટેક્સના નાણાંનો દુરુપયોગ બચાવી શકાય તેમ છે.
previous post