કલોલ:
રાજ્ય સરકાર દ્વારા ત્રીજી જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના લોકોને કોરોનાથી રક્ષિત કરવા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઇને કલોલ તાલુકામાં આવેલી શહેરી વિસ્તારની ૧૦ અને ગ્રામ્ય વિસ્તારની 30 એમ કુલ મળીને 40 શાળાઓમાં અભ્યાસ કરતા કિશોર અને કિશોરીઓને રસીકરણ કાર્ય વેગવંતુ બનાવવામાં આવ્યું છે.
શહેરના ટાવર વિસ્તારમાં આવેલી કેજીએન ગર્લ્સ હાઈસ્કૂલના નિયામક, આચાર્યા, શિક્ષકગણ સાથે આરોગ્ય વિભાગના તબીબો અને કર્મચારીઓએ કિશોરીઓને કોરોનાથી રક્ષિત કરવા રસીકરણ કર્યું હતું. સવારે 9:30 વાગે શરૂ કરવામાં આવેલા રસીકરણમાં શાળામાં અભ્યાસ કરતી કુલ 590 કિશોરીમાંથી બપોરે 1:30 વાગ્યા સુધી ૪૭૦ કિશોરીઓને રસીકરણ કરી ૯૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. કોરોના સામે રક્ષણ આપતા રસીકરણ અભિયાનમાં શાળાના બાળકો, શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
કેજીએમ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યા શારદાબેન ચૌધરી, નિયામક રસિકભાઈ નાયક, કલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ઋષિ કડીકર, અર્બન હેલ્થના તબીબ અંકિતાબેન પ્રજાપતિ,ડૉ. દીપક પટેલ સહિતના લોકો રસીકરણ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.